નજીક-નજીક

ભલાકાકાની ભડવાઈ
March 9, 2018
Najik-Najik

“મળવાનો પ્રયત્ન દરરોજ થતો હોય છે,
બસ આજે થોડો વધારે…
ઝગડો અને પ્રેમ દરરોજ થતો હોય છે,
બસ આજે થોડો વધારે…
આ તારીખ તો બસ બહાનું છે દર્શન.
ના મળી શકવાનો અફસોસ દરરોજ થતો હોય છે,
બસ આજે થોડો વધારે…”

માત્ર એક જ દિવસ પૂરતો હોય તો પ્રેમ કેવો?
“આજે VALENTINE DAY છે એટલે પ્રેમ ઉભરશે, પછી આખું વરસ ઝગડ્યા કરશે.” આવી પ્રકૃતિ વિરુદ્ધ વિચારસરણી ૨ પ્રકારના લોકો પાળી બેસે છે. એક એ, જે લાખ કોશિશે કોઈ શોધી નથી શક્યા; અને બીજા એ, જે પ્રેમમાં નિષ્ફળ રહ્યા છે. અહીં પહેલા પ્રકારના લોકો નું દુઃખ સમજી શકાય છે, પણ પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ પ્રેમ પ્રત્યે અણગમો પેદા કરી આખા જીવનને નિષ્ફળ કરવાનું કાવતરું ઘડી બેસે છે. હવે આ બન્ને વર્ગમાંથી સાવ જૂજ એવી કોઈ વ્યક્તિ જે coupliya નહિ પણ couple શબ્દનો ઉપયોગ કરતી જોવા મળે તો તેની પરિપક્વતાને હું છાનાછપનાં સલામ કરી દઉં છું.

એક તગડો વિરોધાભાસ છે અહીંના વાતાવરણમાં. સમાજનો ઉપકાર એ છે કે બળાત્કારથી નારીજાત જેટલી સજાગ રહે છે, તેનાથી ક્યાંય ગણી વધારે સજાગ તેના પ્રેમી જોડે ફરતી વખતે હોય છે. નાનું મોટું પણ એક જોખમ ઉઠાવીને તેઓ મહામહેનતે એક બીજાને મળવાની હિંમત એકઠી કરે અને જે થોડો ઘણો સમય સાથે પસાર કરી, વગર મને છુટા પડે ત્યારે હરખના માર્યા બોલી જાય કે “ચોરી છુપે પ્રેમ કરવાની મજા જ અલગ છે”. બાકી તેઓ પણ જાણે છે કે આ માન્યતા મનને દિલાસો આપવા પૂરતી જ છે. આવી પરિસ્થિતિમાં એકબીજાને મળવું કેટલું કાવ્યાત્મક હોય શકે એ વાત અહીં કરવી છે, કે…

“પુરી કવિતાની આશા રાખી જ નથી,
બસ થોડા શબ્દો બની તો જઈએ.
પછી કાવ્યપંક્તિના છેવાડે છેવાડે,
મારી મચોડીને મળી તો જઈએ.”

મળવાની વ્યાખ્યા આપતા મારા પ્રિય શાયર કહે છે કે, “બે જણા દિલ થી મળે તો મજલિસ (મેહફીલ) છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી.” બે દુશ્મનોનું મળવું અને બે પ્રેમીઓનું મળવું ખરા અર્થમાં મળવું કહી શકાય. એટલા સમયગાળા દરમિયાન બન્ને માટે આખું જગત ખરી પડે. “કોઈ જોઈ જશે” તેની ચિંતા અને “ભલે જોવા દે” એવી બેપરવાહી વચ્ચે પ્રેમાત્મક જંગ જામે ત્યારે ચિંતા, ડર કે કોઈ પણ પ્રકારની હદ તેમનાથી દસ ફુટ છેટી ખસી જાય છે. જેટલા વધારે સમય પછી મળવા મળતું હશે, તેટલું જ મનથી ભેટી પડવાનું બનતું હશે.

“શું છે તમારા અને મારા વચ્ચે?
આ સવાલ ચર્ચામાં છે…
જગા નથી હવાને’ય જાવા વચ્ચે,
લો, જવાબ ચર્ચામાં છે.”

શ્વાસોચ્છવાસથી થતી વાતચીત અને આંખો મીંચીને થતા સ્પર્શ એ વિશ્વાસ અપાવવા મથતા રહે છે કે તેઓ ખરેખર કેટલા નજીક નજીક છે. અને ત્યાર બાદ…

“દુનિયા ટપકું બની ભુંસાઇ જાય,
એ ઉંચાઇએ બન્ને જવા જોઇએ.
કાં’તો મન ભરાઇ જવા જોઇએ,
કાં’તો હોઠ દુખી જવા જોઇએ.”

હવે જૂઠ બોલીને, બહાનું કરીને કે પછી ચોરીછૂપે પણ જેમનું મળી શકવું શક્ય જ નથી તેમના માટે. –

દૂર દૂર કરી મુકવાનું કામ નકારાત્મક વિચાર સિવાય કોઈ કરી જ ના શકે. ના બન્ને વચ્ચેનું અંતર, ના કોઈ ત્રીજી વ્યક્તિ…

બે બાય ત્રણની બારીમાંથી ડોકીયું કરી વિચારીયે તો, પ્રુથ્વીની વિશાળ ક્ષિતિજરેખાના કોઇ એક બિંદુએ જે સૂરજને તું ડૂબકી લગાવતા જુએ છે, એ સુરજ પોતાનામાં તેર લાખ જેટલી પૃથ્વી સમાવી શકે છે. એથી પણ મજાની વાત એ, કે લોકોને નડતા ગ્રહો એકબીજાને નડ્યા વગર નિયમિતપણે જે સૌરમંડળમાં ફર્યા કરે છે, તેવાં સૌરમંડળ પૂરી આકાશગંગામાં લગભગ સો લાખ કરોડની સંખ્યામાં છે. હવે તારા વિચારને પણ ત્યાં પહોંચતા વિચાર કરવો પડશે, કે બસ્સો પચીસ લાખ કરોડ આકશગંગા અખીલ સ્રુષ્ટિમાં પથરાયેલી છે.
“આપણે બન્ને કેટલા નજીક-નજીક છીયે નઈ?

1 Comment

  1. writeaessay says:

    do my essay for me http://dekrtyuijg.com/

    You actually revealed it well.

Leave a Reply