કોલેજ ના ગરબા

ભણવું કોને છે?
July 12, 2018
मैं कविता कैसे लिखता हूं.
December 27, 2018

આ વરસ થી વિદ્યાર્થીઓને નવરાત્રી વેકેશન મળી જવાનું હતું. જાણે વર્ષો જૂની લડત પછી આઝાદી મળવાની હોય તેમ આખી કોલેજ ના જુવાનીયાઓ ના હરખ નો પાર ન હતો.
આવતી કાલ થી નવરાત્રી ની રજાઓ શરુ થવાની હતી. કડવીબેન એન્ડ ઠીંગણાદાસ કોલેજ ના પ્રિન્સીપાલ સ્વરુપાબેન કોલેજ માં ગરબા દિવસ ના આયોજન માટે હેમખેમ માન્યા. પરંતુ સ્વભાવ મુજબ આજ કાલ ના જુવાનીયાઓ ને પડી જતા જલસા, પોતાની તાનાશાહી સામે ચાલતો બળવો અને કોલેજ માં ચાલતા આડકતરા લોકતંત્ર થી સ્વરુપાબેન ને થતી જલન હવે ચરમ સીમાએ જતી રહી.

અંગ્રેજો જતા જતા જેમ સુવ્યવસ્થિત અવ્યવસ્થા કરી ગયા તેવીજ રીતે બેને પણ સુવ્યવસ્થિત અવ્યવસ્થાભર્યું ગરબા નું આયોજન કર્યું.આયોજન માટે વિવિધ કો ઓર્ડીનેટર બનાવા માં આવ્યા, એક વ્યક્તિ નાં કામ માટે ૫-૬ સ્ટાફ ને રોકવા માં આવ્યા અને ગરબા નો સમય પ્રિન્સીપાલ ના વિટો પાવર થી બપોરે ૧૧:૦૦ થી ૨:૦૦ નો નક્કી કરવા માં આવ્યો.

આ જાણી યુવાન હૈયાઓ ને નિરાશા તો થઇ પણ આવી બલા ને પાઠ ભણાવવાનો પણ એક મોકો મળી ગયો. કાયમ ચોપડી ના પાઠ જ ગોખાવનાર બાબા આદમ ના જમાના ના માસ્તર જેવા પ્રિન્સીપાલ ને એ ભાન કરાવાનું હતું કે શાળા થી કોલેજ માં આવ્યા પછી ફક્ત ચોપડીઓ ગોખવાની નથી હોતી. રમત ગમત, વિવિધ ઉત્સવો, સ્પર્ધાઓ, ઈતર પ્રવૃત્તિઓ અને આયોજનો પણ કોલેજ ના અભ્યાસ નું એક અભિન્ન અંગ છે.

૧૧ વાગી ચુક્યા હતા અને કોલેજ ના વિદ્યાર્થીઓ ભાદરવા ની બપોર ના ભર તડકા માં ગરબા રમવા માટે આવ્યા. વિદ્યાર્થી યુનિયન ના લીડરે સ્વરુપાબેનને આભાર સાથે આગ્રહ કરી ને મેદાન ની વચ્ચોવચ લાવ્યા. અને તેમની સાથે તેમના માનીતા ચમચાઓ ને પણ લઈ આવ્યો.અને તેમની ફરતે આઠ મોટા કુંડાળા માં ગીચોગીચ માણસો એ ગરબા રમવા ના શરુ કર્યા. મેદાન ખેડેલું અને સુકું હતું. હવે સ્વરુપાબેન અભિમન્યુ ની સ્થિતિ માં મુકાયા. “માં મને કોઠી માં થી કાઢ”.. પણ સરસ્વતીમાં તો ગાયક ના કંઠે જઈ ને બિરાજી ગઈ હતી. એવું લાગતું હતું કે સરસ્વતી પોતે પણ સ્વરુપાબેન થી રિસાયેલી હતી.

ગરબા ની રમઝટ માં યુવાન હૈયાઓ મન મૂકી ને નાચી રહ્યા હતા. ગરબા નહિ પણ રેતી નું કે ધૂળ નું તોફાન ઉઠ્યું હોય તેવું દ્રષ્ટિગોચર થઇ રહ્યું હતું. બેન આઠ અભેદ્ય કિલ્લા ની વચ્ચોવચ હતા અને કોઈ પણ તેમને માર્ગ નહોતું કરી આપતું. ઉપર થી વિદ્યાર્થીઓ એ બાળ-આગ્રહ કરી ને તેમને આ ચક્રવાત માં થી બહાર નીકાળવા નહિ દીધા.અને બપોર ની અસહ્ય ગરમી ને લીધે ગરબા રમતા બધાજ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. સ્વરુપાબેન ને હવે અસહ્ય ગરમી અને ધૂળથી શ્વાસ લેવા માં તકલીફ પાડવા માંડી, અને તેઓ ત્યાજ વચ્ચોવચ બેભાન થઇ ને ઢળી પડ્યા. તેમને તાત્કાલિક સારવાર આપવા માં આવી અને તેઓ ભાન માં આવ્યા. પણ હજુ ભાન તો થયુ જ નહોતું (કે આવી રીતે આયોજન નહી કરાય !!!).
આ લઘુકથા જેવી લાગતી વાત અહી મારે એટલા માટે કરવી પડી કારણ કે આ વરસ થી એટલે કે ૨૦૧૮ થી આપણી માનનીય ગુજરાત સરકારશ્રી દ્વારા રાજ્ય ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી ના વેકેશન ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

પણ ઘણી સંસ્થાઓ એ પોતાના સંપ્રદાય ને ઢાલ બનાવી ને વેકેશન ન આપવાની દલીલો કરી અને ઘણી સંસ્થાઓ એ “શૈક્ષણિક કાર્ય “ બગડતું હોવાની ફરિયાદો કરી ને વેકેશન નું કચ્ચરઘાણ કરી નાખવાની કોશિશ કરી. એની સામે સરકારશ્રી ની દલીલો સાચી જ છે. આ ૧૦ દિવસ માં એવું તે શું થઇ જશે કે વિદ્યાર્થીઓ નું “શિક્ષણ” બગડશે? ખરેખર આવા માસ્તરીયાઓ ને ટાઈમ મેનેજમેન્ટ ની ટ્રેઈનીંગ આપવી જોઈએ. અને વર્ષો થી (પેઢીઓ થી) ચાલી આવતા રીવાજ ની જેમ નવરાત્રી ના સમયે વર્ગો માં નહીવત હાજરીઓ હોય છે. પાંખી હાજરીઓ માં આવા માસ્તરીયાઓ કયા વેદ ભણાવી દેવાના હતા? અને બીજી મહત્વ ની વાત. ગરબા એ આપણા ગુજરાત ની સંસ્કૃતિક અને સામાજિક ધરોહર અને ઓળખ છે. અને એનું જતન કરવું એ આપણી જ ફરજ છે.

અને હા, કેળવણી થકી મનુષ્ય ને સફળ મનુષ્ય બનાવાય. ફક્ત ચોપડી ના જ્ઞાન થી નહિ.જો એવું થતું હોત તો કોઈ કોલેજ ડ્રોપાઉટ વ્યક્તિ એમેનસી ના ચલાવતો હોત. કેળવણી નો અર્થ વ્યક્તિ ના સર્વાંગી વિકાસ સાથે હોય છે અને નૃત્ય, સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, વ્યાપાર, મેનેજમેન્ટ વગેરે બધાજ તેના અંગો છે.

“બાકી સાહેબ, ભણેલા તો ભાડે મળે…”
– કડવીબેન

Leave a Reply